Friday, July 30, 2010

મોટીબા...


એજ રુમ છે, એજ ખૂણો છે
એજ ખાટલો છે, અને એજ ઓશીકુ છે.
બધુ સમુ સુથરુ, એમ નુ એમ છે
પણ.... પણ મોટીબા નથી!!

બહાર નથી ગયા કે, નથી પાછા આવવાના
પણ જાણે કે એમની હયાતી નો ભાસ છે.
બારી પર પડેલો ફોટો કંઈક બોલશે
પ્રેમથી આવકારો દેશે,
ભીની આંખો ના ખૂણા સહેજ લૂછી લેશે
પણ.... પણ મોટીબા નથી!!

જમવા માં પીરસાયેલી એક એક વાનગી માંથી
"લાય જરા ચાખવા આલ", ના શબ્દો સંભળાય છે.
ગોઠવેલી વધારાની બેગો માંથી અવાજ ગુંજે છે... "મોટીબાનો"
જાણે કહેતા હોય કે વચ્ચમાંથી આને લઈ લો.
બારી માંથી ફૂંકાતો પવન શરીરને સ્પર્શતો જાય છે,
અને કરચલીવાળા હાથ, જાણે એક મૂક આશીર્વાદ દઈ જાય છે.
બસ તૃપ્તી ની આહ્લાદક અનુભુતી કરાવી જાય છે.
પણ.... પણ મોટીબા નથી!!

બાળપણ માં મોટીબા હળવેકથી વહી જતા
અને એમના સંભારણા કલાકો સુધી રડાવી જતા.
જીવમાં ફરી એવો ગભરાટ છે, હોઠો પર એવો ફ્ફડાટ છે
હૈયુ આક્રંદ થી કકળી ઉઠ્યુ છે
પણ.... પણ મોટીબા નથી!!

મોટીબા આવશે નહીં,
એમના ઠપકા ના ટહુકા સંભળાશે નહીં.
વ્હાલમાં નીતરતી આંખો મને જોશે નહીં
એમના હોઠોની જાદુઈ મુસ્કાન દેખાશે નહીં
અને, રુમ એમની હયાતી થી ઉભરાય છે.
પણ.... પણ મોટીબા નથી!!


- ગૌરાંગ નાયક

No comments:

Post a Comment

Followers