Sunday, September 5, 2010

પાયા નો સ્તંભ

પાયા નો સ્તંભ જોને પડી ગયો
મોટો ગયો'તો આજે બીજોય પડી ગયો

દોષ કાપી જોશીડો જોષ જોઈ ગયો
પંચાંગ નો ચોપડો અધખુલ્લો રહી ગયો
મોટો ગયો'તો આજે બીજોય પડી ગયો

પાયા થી નીસરણી ટોચ સુધી ચઢી ગયો
ઝુમ્યો, ઝઝુમ્યો, ને તરબતર થઈ ગયો
પોતાનો હતો જે, કો' નો થઈ ગયો
મોટો ગયો'તો આજે બીજોય પડી ગયો

વધતો વધતો વધી ગયો
આંખ નો હતો જે, તારો નભ નો થઈ ગયો
હૈયા નો હતો હાર જે, ફોટે ચઢી ગયો
મોટો ગયો'તો આજે બીજોય પડી ગયો

- ગૌરાંગ નાયક

સમજ ફેર

ઘર માં અવાજ ધીરો થતો નથી
સભા માં જેની મૌનતા, ઘટતી નથી

કાબેલીયત દેખાડવાની ઉત્કંઠા ક્યારે જતી કરી?
બજાર માં ઉપજ જેની, પઈ ની , હોતી નથી

બોલવા નું ઘણું બધુ બોલાઈ ગયુ
પસ્તાયા છતાં નીકળેલા વેણ, પાછા જતા નથી

સરળ શબ્દે વાત કીધી હતી, છતાં
અનુકૂળતા વિના નો સાર કદી, નીકળતો નથી

બોલવા થકી રુસણું થઈ ગયુ
મનાવ્યા છતાં ગુમાની, ઓછી થતી નથી

કહેવુ'તુ જે, તે કહી ના શકાયુ
બોલવાની પણ માફી, મળતી નથી

- ગૌરાંગ નાયક

થડ થી ગયુ...

એક તરુવર થડ થી ગયુ

ધરા નુ એક ઘરેણું ગયુ
સ્થાયી હતુ જે, તે ખસી ગયુ
યુગો નો સાક્ષાત્કાર, કરનારુ ગયુ

કેટલા વિહગો નો માળો ગયો
તરુલતા નો આધાર ગયો

ગરમાળા નુ મોંઘુ થડ દેતુ ગયુ
એક તરુવર થડ થી ગયુ

ડાળી ઝૂલતા ભૂલકાં ગયા
કેટલા દાયકા અહીં ઉભા ગયા
ખાલીપા ની ખૂંચ, દેતુ ગયુ
એક તરુવર થડ થી ગયુ

વ્હેલી સવાર નો કલરવ ગયો
જગા નો ભપકો ગયો
એનુ હતુ જે સંભારણુ ગયુ
એક તરુવર થડ થી ગયુ

- ગૌરાંગ નાયક

રંગમંચ


રંગમંચ પર ખેલ કેટલા ખેલાઈ ગયા
વારાફરથી પોત-પોતાના ભાગ બધા ભજવાઈ ગયા

એજ ધરતી, સૂરજ-ચંદ્ર,
નભ ને નદીઓ
મંચ કદી બદલાતો નથી
સ્થિતી, સમય ને પાત્રો બધા બદલાઈ ગયા

તારુ હતુ જે, મારુ થયુ
મારુ છે જે, તે એનુ થશે
અહીંથી કોઈ લઈ જઈ શકતુ નથી
તત્વ, સત્વ ના ધની બધા બદલાઈ ગયા

સંબંધો ની વિમાસણ
પરીસ્થિતી ના કારણ
એનુ વળગણ જરીય બદલાતુ નથી
ચહેરા છોને કેટલા બદલાઈ ગયા

પામ્યુ કે ગુમાવ્યુ
મળ્યુ કે મેળવ્યુ
જોઈતુ ભેગુ કદી થતુ નથી
ખેલૈયાઓ ના પ્રપંચ બધા ખેલાઈ ગયા

બાળપણ ગયુ, બધા બળાપા ગયા
બદલાતી વય ના ગાળા ગયા
જવાનુ કદી પણ બદલાતુ નથી
જવાના કારણ ઘણા બદલાઈ ગયા

ક્યાંથી ઉદભવ્યા
ક્યાં ગયા ?
ભેખ એનો ભાખી શકાતો નથી
અનંત ની જ્યોત પામવા, દિવા બધા ઓલવાઈ ગયા

- ગૌરાંગ નાયક

Saturday, August 7, 2010

ખીલેલા પતંગીયા


હાથો માં પતંગીયા સજાવી લાવ્યો છુ
રોપેલી કળીઓ નો માળો ગૂંથી લાવ્યો છુ 

કેશ માં ગજરો શોભી ગયો
સ્મિત થી ચહેરો લજાઈ ગયો
સ્મૃતિ પર સનાતન માધુર્ય છાપી આવ્યો છુ
રોપેલી કળીઓ નો માળો ગૂંથી લાવ્યો છુ

પ્રત્યેક કૂંપળ ને આશરો દિધો
ભમરા ને જેનો રસ પિવા નથી દિધો
રસ માં તરબોળ, ભાવનાઓ ભીંજવી લાવ્યો છુ
રોપેલી કળીઓ નો માળો ગૂંથી લાવ્યો છુ

કાળા વાદળા ફૂંકી દિધા
તોફાની વાયરા મુઠ્ઠી માં લીધા
ચમકતી વિજળી, એમના ચહેરે સજાવી આવ્યો છુ
રોપેલી કળીઓ નો માળો ગૂંથી લાવ્યો છુ

- ગૌરાંગ નાયક

શમણું


વ્હેલી સવારે  જે સ્ફુર્યુ
શમણું તે આંસુ થી સર્યુ

કોની યાદ રેલાઈ હતી
મોતી જે પાંપણ થકી ખર્યુ

રાત ની અંધારી મજલ કાપી
પરોઢીયે, ઝાકળ થઈ ફર્યુ

ઢાંકેલા દિવા માં
ઓજસ કેવુ કર્યુ

ગાલ પર રેલાતા સ્પર્શે
હૈયુ ઉત્તેજીત કર્યુ

ખારુ હતુ તોય
અમૃત થઈ ને ઝર્યુ


- ગૌરાંગ નાયક

Friday, July 30, 2010

જતા રહ્યા...


લાવ્યા'તા શું ને લઈ શું ગયા

જીવન જીવી, ને ખાલી હાથે નીકળી ગયા


બાળપણ, જવાની ને ઘડપણ, મજલો બધી કાપી ગયા

સફર માં બાંધી બંધનો, છેવટે તોડી ગયા


જીવનભર મીઠાં જળ પીવડાવી ગયા

જતા રહ્યા ને, નદીઓ ખારી વ્હેતી કરી ગયા


ઠેકાણું કાયમનું, અહીંથી બદલી ગયા

પણ, સરનામુ ત્યાં નુ દેવાનું ભૂલી ગયા


- ગૌરાંગ નાયક


મોટીબા...


એજ રુમ છે, એજ ખૂણો છે
એજ ખાટલો છે, અને એજ ઓશીકુ છે.
બધુ સમુ સુથરુ, એમ નુ એમ છે
પણ.... પણ મોટીબા નથી!!

બહાર નથી ગયા કે, નથી પાછા આવવાના
પણ જાણે કે એમની હયાતી નો ભાસ છે.
બારી પર પડેલો ફોટો કંઈક બોલશે
પ્રેમથી આવકારો દેશે,
ભીની આંખો ના ખૂણા સહેજ લૂછી લેશે
પણ.... પણ મોટીબા નથી!!

જમવા માં પીરસાયેલી એક એક વાનગી માંથી
"લાય જરા ચાખવા આલ", ના શબ્દો સંભળાય છે.
ગોઠવેલી વધારાની બેગો માંથી અવાજ ગુંજે છે... "મોટીબાનો"
જાણે કહેતા હોય કે વચ્ચમાંથી આને લઈ લો.
બારી માંથી ફૂંકાતો પવન શરીરને સ્પર્શતો જાય છે,
અને કરચલીવાળા હાથ, જાણે એક મૂક આશીર્વાદ દઈ જાય છે.
બસ તૃપ્તી ની આહ્લાદક અનુભુતી કરાવી જાય છે.
પણ.... પણ મોટીબા નથી!!

બાળપણ માં મોટીબા હળવેકથી વહી જતા
અને એમના સંભારણા કલાકો સુધી રડાવી જતા.
જીવમાં ફરી એવો ગભરાટ છે, હોઠો પર એવો ફ્ફડાટ છે
હૈયુ આક્રંદ થી કકળી ઉઠ્યુ છે
પણ.... પણ મોટીબા નથી!!

મોટીબા આવશે નહીં,
એમના ઠપકા ના ટહુકા સંભળાશે નહીં.
વ્હાલમાં નીતરતી આંખો મને જોશે નહીં
એમના હોઠોની જાદુઈ મુસ્કાન દેખાશે નહીં
અને, રુમ એમની હયાતી થી ઉભરાય છે.
પણ.... પણ મોટીબા નથી!!


- ગૌરાંગ નાયક

Followers