Sunday, June 27, 2010

સ્પંદન


મન ના તરંગો માં ઉઠ્યું એક સ્પંદન

ખુલ્યા જાણે કેટલાય બંધન


ઘુમરાવા લાગ્યું આખુ આ ગગન

હૈયા માં હિલોળ્યા અનેરા કંપન


મન ની કેવી અનોખી આ લગન

મન ના તરંગો માં ઉઠ્યું એક સ્પંદન


ઘેલી ગોપી નું જાણે નવલું વૃંદાવન

વસંત માં ખીલી ઉઠ્યા ખુશ્બુ ના ચંદન

મન ના તરંગો માં ઉઠ્યું એક સ્પંદન


ફુલડે ફુલડે ભમરાઓ નું ગુંજન

સંગીત નું રેલાયુ મધુરુ ગુંજન

હવા માં જ દેવાઈ ગયું આલિંગન

મન ના તરંગો માં ઉઠ્યું એક સ્પંદન


- ગૌરાંગ નાયક

ક્યાં છે ?


ચોમેર લીલીછમ છે આ ધરતી
પણ, અહીં વતનની એ ધૂળ ક્યાં છે

વણનોતર્યો વરસે છે મેહ
પણ, પહેલાં વરસાદ ની ભીની મ્હેક ક્યાં છે

મસમોટા મોહક બધાં પુષ્પો
પણ, એની મીઠી મજાની ખુશ્બુ ક્યાં છે

રઢીયાળો રુપાળો આ પાડોશ
પણ, ભાવ નીતરતા એ સંબંધો ક્યાં છે

સુંદર મોટા છે મકાનો
પણ, એને ઘર કહેવાય એવુ ક્યાં છે

આકર્ષક લાગતી બધી વાનગીઓ
પણ, ભોજન ની ઉમદા એ લહેજત ક્યાં છે

મિત્રો ની લાંબી છે સૂચી
પણ, હૈયાની હામ ભરનારા ક્યાં છે

ઉગે છે રોજ સવાર
પણ, સવારનો કૂણો એ તડકો ક્યાં છે

હાજર છે બધાં સંબંધો
પણ, માવડી ના હેતાળ હાથ ક્યાં છે

-ગૌરાંગ નાયક

Followers