Friday, July 30, 2010

જતા રહ્યા...


લાવ્યા'તા શું ને લઈ શું ગયા

જીવન જીવી, ને ખાલી હાથે નીકળી ગયા


બાળપણ, જવાની ને ઘડપણ, મજલો બધી કાપી ગયા

સફર માં બાંધી બંધનો, છેવટે તોડી ગયા


જીવનભર મીઠાં જળ પીવડાવી ગયા

જતા રહ્યા ને, નદીઓ ખારી વ્હેતી કરી ગયા


ઠેકાણું કાયમનું, અહીંથી બદલી ગયા

પણ, સરનામુ ત્યાં નુ દેવાનું ભૂલી ગયા


- ગૌરાંગ નાયક


મોટીબા...


એજ રુમ છે, એજ ખૂણો છે
એજ ખાટલો છે, અને એજ ઓશીકુ છે.
બધુ સમુ સુથરુ, એમ નુ એમ છે
પણ.... પણ મોટીબા નથી!!

બહાર નથી ગયા કે, નથી પાછા આવવાના
પણ જાણે કે એમની હયાતી નો ભાસ છે.
બારી પર પડેલો ફોટો કંઈક બોલશે
પ્રેમથી આવકારો દેશે,
ભીની આંખો ના ખૂણા સહેજ લૂછી લેશે
પણ.... પણ મોટીબા નથી!!

જમવા માં પીરસાયેલી એક એક વાનગી માંથી
"લાય જરા ચાખવા આલ", ના શબ્દો સંભળાય છે.
ગોઠવેલી વધારાની બેગો માંથી અવાજ ગુંજે છે... "મોટીબાનો"
જાણે કહેતા હોય કે વચ્ચમાંથી આને લઈ લો.
બારી માંથી ફૂંકાતો પવન શરીરને સ્પર્શતો જાય છે,
અને કરચલીવાળા હાથ, જાણે એક મૂક આશીર્વાદ દઈ જાય છે.
બસ તૃપ્તી ની આહ્લાદક અનુભુતી કરાવી જાય છે.
પણ.... પણ મોટીબા નથી!!

બાળપણ માં મોટીબા હળવેકથી વહી જતા
અને એમના સંભારણા કલાકો સુધી રડાવી જતા.
જીવમાં ફરી એવો ગભરાટ છે, હોઠો પર એવો ફ્ફડાટ છે
હૈયુ આક્રંદ થી કકળી ઉઠ્યુ છે
પણ.... પણ મોટીબા નથી!!

મોટીબા આવશે નહીં,
એમના ઠપકા ના ટહુકા સંભળાશે નહીં.
વ્હાલમાં નીતરતી આંખો મને જોશે નહીં
એમના હોઠોની જાદુઈ મુસ્કાન દેખાશે નહીં
અને, રુમ એમની હયાતી થી ઉભરાય છે.
પણ.... પણ મોટીબા નથી!!


- ગૌરાંગ નાયક

Monday, July 26, 2010

મોટા ધામ


તમે મેલ્યુ છે ગોકુળીયુ ગામ

કિધા દ્વારીકા માં મોટા મોટા ધામ

તડપાવી અમને ચાલ્યા શું કામ

હવે, તમને મળશે ના હૈયે મુકામ


હે મનડા તે મોહ્યા, ને દલડા તે લીધા

સઘળા ગોવાળીયા ને સખા તે કીધા

વાંસળી વગાડી ને સંમોહી લીધા

નઠારા આવા તમે કામ કેમ કીધા


હે કાન મોરલી ના અમે સુણ્યા નથી વેણ

તમારા કામણીયા અમે દિઠા નથી નેણ

ભવ ભવ ના તમે દિધા નથી લેણ

તમે કોઈ ના માન્યા નથી કહેણ


હે સુની છે થઈ કુંજ ની ગલીયારીઓ

હાલ્યા છો મેલીને ગોપીઓ નો સથવારો

રમશો ક્યારે આવી તમે રાત નો રાહડો

કીધો છે અન્યાય તમે મોટો તે આવડો


મીટ માંડી જુએ છે નમણી આંખડી

કરશો પાવન ક્યારે તમે શેરી સાંકડી

મીઠી વગાડવા ને તમારી વાંસળી

પાછા બોલાવતી વ્હાલી રાધા ગોવાલડી


- ગૌરાંગ નાયક


Saturday, July 24, 2010

વળતર


ઠાર્યા હશે તો ઠરશો

આપ્યુ હશે તો પામશો


પાંગરીને મદિલી બની તમારી અદાઓ

તમા નથી પણ, ક્યારેક તમેય કરમાશો


કાયમ કદી ક્યાં કોઈ જીતી શક્યુ છે

ફાવતા રહ્યા છો પણ, ક્યારેક તમેય શેહ ખાશો


જોજનવંતો જોશ થઈ રહ્યો છે બેકાબૂ

ભુલો છો પણ, ટમટમી ને ઓલવાશો


કલ્પક થવાના કરતા રહ્યા છો ડોળ

ઉન્મત્તતા ની સુચી માં પણ, આપ ઉમેરાશો


કંઈક ને કચડી, પહોંચ્યા છો શીખરે

સમય ના ચક્રાવા માં એક દિ, ખૂદ ઢળી જાશો



- ગૌરાંગ નાયક


મુલાકાત


હું હતો તમે હતા ને શામ હતી

કરવાની ઘણી અમારે કંઈ વાત હતી


બોલવા માં કદી મને છોછ હતો

જીભ ઊપર પણ આજે મણો નો બોજ હતો


અકળામણ જોઈ સ્મિત તમારુ લ્હેરાયુ

મનમાં મારા ધુમ્મસ કંઈક ઓર ઘેરાયુ


શરુ ક્યાંથી કરુ ના સમજાયુ

કેમ છો પુછવાનુય ના પુછાયુ


લાંબા સમયથી હતી જે ની પ્રતીક્ષા

ક્ષણે સ્થિતી મન ની હતી મુંઝવણ માં


પૂરો થયો અમારો ટૂંકો વાર્તાલાપ

મન માં હજી શરુ કર્યોય તો આલાપ


ઘટેલી મુલાકાત નું થતુ નથી અર્થઘટન

જીવંત રહેશે પણ વાત આજીવન



- ગૌરાંગ નાયક


Followers