Friday, March 2, 2012

ઘસાતુ બાળપણ

૨૦મી સદી ના પ્રારંભે, અને તે પૂર્વે, દિકરીઓ ના લગ્ન બહુ વહેલા લેવાતા.  ૧૫-૧૬ વર્ષ ની વય માંડ થઈ હોય ને તેને પરણાવી દેવાય. ૨૦ વર્ષે પહોંચે એ પહેલા તો તે માતા બની ગઈ હોય. અને એવી જ રીતે એના પુત્ર ના લગ્ન પણ બહુ વહેલા થઈ જતા. ત્યારે ઘર માં નવી પરણી ને આવેલી નાની છોકરી ની, જમ ને ખાય એવી અડીખમ સાસુ હોય. આવી કાચી કુમળા માનસ વાળી દિકરી નું મનોમંથન વ્યકત કરવા ની કોશીશ કરી છે.


‘મા’ મારા કૂકા ને કોડી તૂ બંધાવજે
‘મા’ મને વ્હાલ કરીને તૂ વળાવજે

મારા વાળ ત્યાં કોઈ ઓળાવશે?
માથા માં તેલ કોણ નાંખી આપશે?
મેળા માં મારે જવાશે?
'મા' મારે રમવા તો જવાશે?
‘મા’ મને મુકવા તો તૂ આવજે
   
આજે કંકુ ચરણ મેં આંગણે દિધા
નણદી એ ટોણા, બારણે દિધા
સાસુ એ પગ વાળી લીધા
રસોડાં વ્હેલા સોંપી દિધા
‘મા’ હું આવુ ત્યારે મનભરી ને ખવડાવજે

મારા દોરડા જોને કોઈ લઈ ગયુ
ને હાથ માં ઠીબરા દઈ ગયુ
કોઈ મારો ઝૂલો છોડી ગયુ
ને મારો ઊંબરો ખુંચવી ગયુ
‘મા’ મને સપને તો લાડ તૂ લડાવજે

ખેતરે તો હું કેરીઓ તોડતી
માથે ક્યાં કદી પછેડી ઓઢતી
અલ્લડતા માં મનભર કૂદતી
શરમ નો શેરડો આજે દિનભર ઓઢતી
‘મા’, ઝડે તો મોકળાશ મારી મોકલાવજે

કદીક, ઉઠી હું કોયલ સુણતી
બેફિક્રી માં કોઈ પળ ના ગણતી
વહેલા ઉઠી હું ચૂલો ફૂંકતી
દિ આખો હવે કામ માં ઢાંકતી
‘મા’ મારી આળસ ત્યાં રહી ગઈ, તૂ મોકલાવજે

આખુ શરીર ધખી રહ્યુ
માથે, પાણી નું બેડું ડગી રહ્યું
સાસુ નું મ્હેણું તો રોજનું રહ્યુ
મારુ પીયરીયુ છેટું રહ્યુ
‘મા’ ઝટ કાગળ લખી ને તૂ તેડાવજે

ચહેરા પર, મારા હાથ ની બરછટતા વાગે છે
મસ્તી ને ભોળપણ મારા થી દૂર ભાગે છે
મારી સાહેલીઓ મને બોલાવતી હોય એમ લાગે છે
મારો આજે બીજો જનમ થયો હોય એમ લાગે છે
‘મા’ મારા કૂકા, ને કોડી હવે કોઈ ને આપી આવજે

મારી ભાળ તો તૂ કરાવજે
મારા બાપુ ને તૂ સંભાળજે
તારી દીકરી જીવે છે તૂ જાણજે
‘મા’, તારુ નામ ઉજાળશે તૂ જાણજે

-  ગૌરાંગ નાયક

૨૭-સપ્ટેમ્બર-૨૦૧૧

No comments:

Post a Comment

Followers